Overview
શિવમહાપુરાણનો મહિમા પ્રયાગ તીર્થમાં ઋષિ-મુનિઓ શિવમહાપુરાણ સાંભળવા ભેગા થયેલ, તેમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય સૂત વ્યાસપીઠ ઉપર બેઠા હતા. તે સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન શૌનક મુનિ સૂતજીને ઉદ્દેશીને બોલ્યા : હે મહાજ્ઞાની ચૂત ! તમે અમને પુરાણોની કથા સાંભળવો. જ્ઞાન-વૈરાગ્યથી યુક્ત સદ્ભક્તિથી વૈરાગ્ય શી રીતે વધે ? વિકારો કેવી રીતે દૂર થઈ શકે ? આસુરી જીવો કેવી રીતે પવિત્ર બની શકે ? તથા જે કલ્યાણકારી અને પાવનકારી ઉપાય દ્વારા આત્મા તાત્કાલિક પવિત્ર બની શિવને પામી શકે તે બતાવો. સૂતજી બોલ્યાઃ‘શિવમહાપુરાણ’ની કથા ભક્તિ વધારનાર, સંતોષ આપનાર રસાયન રૂપ છે. આ કથા શિવજીએ પોતે જ કહેલ છે, જે કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનાર છે. શિવમહાપુરાણ સનત્કુમાર મુનિએ મહર્ષિ વ્યાસજીને કહેલું, પછી વ્યાસજીએ તે શિવમહાપુરાણ કલિયુગમાં જન્મેલ મનુષ્યોના હિત અર્થે ટૂંકમાં કહેલું છે, જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું ઉત્તમ સાધન છે. શિવપુરાણના પાઠથી કે શ્રવણથી મનુષ્ય શિવપદને મેળવી શકે છે, તે ઇચ્છિત ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે. તે ધર્મ-અર્થ-કામ-મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. તે રાજસૂય યજ્ઞ ને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પામે છે. કલ્યાણરૂપ મોક્ષધર્મ પામે છે, તેની દુર્ગંત થતી નથી. અનેક પ્રકારનાં દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે. ત્રણે તાપોને શમાવે છે.

Shree Varsha Suravala