Overview
ગીતાનું માહાત્મ્ય :-
ગીતા ભગવાન શ્રીકૃષ્ણે સ્વયં ઉચ્ચારેલી છે. ગીતાનું જે કરે છે તેના પાપો નાશ પામે છે. ગીતાનો નિત્ય શ્રવણ પાઠ ભવફેરાના બંધનમાંથી મુક્તિ અપાવે છે. ગીતા સર્વે ઉપનિષદો અને વેદોનું દોહન છે. ભગવાન શ્રીકૃષ્ણે આ અમૃતનું સર્વપ્રથમ પાન અર્જુનને કરાવ્યું છે. એક વાર ધરતીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું : હે પ્રભો ! પ્રારબ્ધ કર્મને ભોગવતાં ભોગવતાં મનુષ્ય એકનિષ્ઠ ભક્તિ કઈ રીતે કરી શકે ? ભગવાન બોલ્યા : હે ધરણી ! જે મનુષ્ય ગીતાના અભ્યાસમાં જોડાઈને ગીતાનો નિત્ય પાઠ કરતો હોય તે મનુષ્ય આ લોકમાં સુખી થાય છે. જેમ કમલપત્રને પાણી સ્પર્શી શકતું નથી તેમ ગીતાનું પઠન અને શ્રવણ કરનારને પાપો સ્પર્શી શકતાં નથી. ગીતાનો ગ્રંથ જ્યાં હોય અને નિત્ય પાઠ થતો હોય ત્યાં સર્વે તીર્થો આવીને વસે છે. વળી, દેવો, ઋષિઓ, નાગો, સનતકુમારો, ઉદ્ધવ, મારા પાર્ષદો અને ગોપ-ગોપિકાઓ સહિત હું સ્વયં ત્યાં નિવાસ કરું છું. હે પૃથ્વી ! હું ગીતાના આશ્રયે જ રહું છું. ગીતા મારું રહેવાનું ધામ છે. ગીતાના આધારે જ હું ત્રણેય લોકોનું પાલન કરું છું. ગીતા પરમાનંદસ્વરૂપ અને તત્ત્વોના અર્થથી ભરપૂર બનેલું જ્ઞાન છે. દૃઢ શ્રદ્ધાથી અઢાર અધ્યાયનો પાઠ કરનારો મારા પરમ પદને પામી જાય છે. આખો પાઠ કરવા અશક્ત માનવી અડધી ગીતાનો પાઠ કરે તો પણ ગોદાનનું પુણ્ય પામે છે. પા ભાગની ગીતાનો પાઠ કરનાર ગંગાસ્નાનનું ફળ પામે છે અને ત્રણ અધ્યાયનો પાઠ કરનાર સોમયજ્ઞ કર્યાનું પુણ્ય પામે છે. નિત્ય એક અધ્યાયનો પાઠ કરનાર કૈલાસમાં શિવનું સાન્નિધ્ય પામે છે. હે પૃથ્વી ! જે મનુષ્ય શ્લોકના ચોથા ભાગનો નિત્ય પાઠ કરે છે તે એક મન્વંતર સુધી મનુષ્યરૂપે રહે છે. ગીતાના દસ, સાત, પાંચ, ચાર, બે, ત્રણ, એક કે અડધા શ્લોકનો પાઠ કરનાર ચંદ્રલોકને પામે છે. ગીતા પાઠ કરનારો મનુષ્ય કદાપિ અર્ધમ દેહ પામતો નથી. તે પુનઃ માનવીરૂપે જન્મીને ગીતાનો અભ્યાસ કરી ઉત્તમ ધામ પામે છે. ગીતાનો અર્થ સાંભળનાર મહા પાપી પણ વૈકુંઠને પામે છે. ગીતાના અર્થોનો પાઠ કરનાર મહાપાપી પણ વૈકુંઠ પામી જાય છે. ગીતાના આશ્રયે જનક આદિ રાજાઓ પાપ રહિત બન્યા છે અને આ લોકમાં પ્રસિદ્ધિ પામ્યા છે. ગીતાનો પાઠ કર્યા બાદ માહાત્મ્યનો પાઠ ન કરે તો તેનો પાઠ નિષ્ફળ જાય છે. માહાત્ય સહિતનો ગીતા પાઠ મનુષ્યને દુર્લભ ગતિ આપે છે. ગીતાના આ સનાતન માહાત્મ્યનો પાઠ કરનાર ઉત્તમ ફળ પામશે.

Bhramakshatriya